હથિયારનો ક્રેઝ ઘટ્યોઃ 304 અરજી પૈકી 47% જ મંજૂર
સ્ટેટસ સિમ્બોલઃ વર્ષ 2022ની સરખામણીએ 2023માં રિવોલ્વર, પિસ્ટલ, ગન રાખવા માટે અરજીઓ ઘટી
ટેકનોલોજીના આ યુગમાં એક તરફ યુવાઓ કમ્પ્યૂટર, લેપટોપ અને મોબાઈલ ફોનને પોતાનું હથિયાર બનાવી કારકિર્દી આગળ વધારી રહ્યા છે પરંતુ એક એવો પણ વર્ગ છે જે હથિયારો પોતાની પાસે રાખવા માટે દિવસ રાત મથામણ કરી રહ્યો છે. ભારતમાં કોઈપણ પ્રકારનું હથિયાર પોતાની પાસે રાખવા કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. હથિયારોના લાઇસન્સ લેવા માટે અમદાવાદના એક ચોક્કસ વર્ગનો ક્રેઝ ઓછો થયો હોય તેમ લાગી રહ્યું છે. બે વર્ષમાં પોલીસ પાસે કુલ 304 અરજીઓ આવી હતી જેમાંથી પોલીસે માત્ર 144 અરજી મંજૂર કરતા આશરે 47 ટકા અરજી જ મંજૂર થઇ હોવાનું સામે આવ્યું છે. તેમાંય વર્ષ 2022ની સરખામણીએ વર્ષ 2023માં રિવોલ્વર, પિસ્ટલ, ગન માટે કરાયેલી અરજીઓમાં ઘટાડો જોવા મળ્યો છે. અમદાવાદ શહેર પોલીસ પાસે વર્ષ 2022માં રિવોલ્વર, પિસ્ટલ માટે કુલ 120 અરજી આવી હતી જેમાં 48 અરજી મંજૂર કરાઇ હતી. તેની સામે વર્ષ 2023માં માત્ર 60 અરજી આવી હતી, જેમાં 27 અરજી જ મંજૂર કરાઇ હતી.

Post a Comment