દાંતા પિકઅપ સ્ટેન્ડ પર પાણીની પરબ બની શોભાના ગાંઠિયા, મુસાફરોમાં રોષ
દાંતા, બનાસકાંઠા તારીખ ૦૬/૦૬/૨૦૨૬ શનિવાર
દાંતા, બનાસકાંઠા: ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે દાંતા એસ.ટી. પિકઅપ સ્ટેન્ડ ખાતે મુસાફરો માટે ઉભી કરાયેલી પાણીની પરબ હાલમાં માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગઈ હોવાનું સામે આવ્યું છે. મુસાફરોના જણાવ્યા મુજબ પરબની પાણીની ટાંકી વારંવાર ખાલી રહેતી હોવાથી ઠંડા પીવાના પાણીની સુવિધા મળતી નથી.
દાંતા યાત્રાધામ અંબાજીનું પ્રવેશદ્વાર હોવાથી અહીંથી દરરોજ મોટી સંખ્યામાં યાત્રિકો, વિદ્યાર્થીઓ, મહિલાઓ, વૃદ્ધો અને સામાન્ય મુસાફરો અવરજવર કરે છે. છતાં પાયાની સુવિધા એવા પીવાના પાણી માટે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે મુસાફરોના આક્ષેપ મુજબ પાણીની પરબની યોગ્ય જાળવણી થતી નથી તેમજ ટાંકીમાં નિયમિત પાણી ભરવાની કોઈ વ્યવસ્થા દેખાતી નથી. પરિણામે ગરમીના દિવસોમાં મુસાફરોને મજબૂરીવશ બજારમાંથી પૈસા ખર્ચીને બોટલનું પાણી ખરીદવું પડે છે. સ્થાનિક લોકો અને મુસાફરોએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે પાણીની પરબમાં નિયમિત અને પૂરતા પ્રમાણમાં શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે, દૈનિક સફાઈ અને જાળવણી માટે જવાબદાર વ્યવસ્થા ગોઠવવામાં આવે તથા આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે. લોકોમાં એવી લાગણી વ્યાપી છે કે મુસાફરોની સુવિધા માટે બનાવાયેલી પરબ માત્ર દેખાવ પૂરતી નહીં રહે, પરંતુ વાસ્તવમાં ઉપયોગી બને તે માટે જવાબદાર તંત્ર દ્વારા અસરકારક પગલાં ભરવામાં આવે.

Post a Comment