હારીજમાં ગટરની સમસ્યાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, રહેવાસીઓએ ધમકીઓ મળ્યાનો કર્યો આક્ષેપ

હારીજમાં ગટરની સમસ્યાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, રહેવાસીઓએ ધમકીઓ મળ્યાનો કર્યો આક્ષેપ

હારીજ શહેરમાં છેલ્લા છ મહિનાથી ગટર અને ગંદા પાણીની સમસ્યાથી સ્થાનિક રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ રોડ નિર્માણના કારણે ભરાતું પાણી તેમની ચાલીના ચેમ્બરોમાં ઠાલવવામાં આવી રહ્યું છે, જેના કારણે ગંદકી અને દુર્ગંધની સમસ્યા સર્જાઈ છે. રહેવાસીઓનું કહેવું છે કે આ બાબતે રજૂઆતો કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. અનેક વખત નગરપાલિકાની ગાડીઓ સ્થળ પર આવે છે, પરંતુ માત્ર ઔપચારિક કામગીરી કરીને પરત ફરી જાય છે અને સમસ્યા યથાવત રહે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ જ્યારે તેઓએ ગંદુ પાણી તેમની ચાલીમાં ઠાલવવાનો વિરોધ કર્યો ત્યારે જવાબદાર લોકો દ્વારા ઉદ્ધત વર્તન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, પોલીસ ફરિયાદ અને કેસ કરવાની ધમકીઓ પણ આપવામાં આવી હોવાનું રહેવાસીઓએ આક્ષેપ કર્યો છે. રહેવાસીઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે તેમના કારણે કોઈ સરકારી કામ અટકતું નથી કે રોડનું કામ બંધ નથી, છતાં તેમને જ જવાબદાર ઠેરવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. હવે સ્થાનિકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જો સામાન્ય નાગરિકોની સમસ્યાઓનો ઉકેલ ન આવે અને રજૂઆતના બદલામાં ધમકીઓ મળે તો તેઓ ન્યાય માટે ક્યાં જાય? હવે જોવાનું એ રહેશે કે હારીજ નગરપાલિકા અને સંબંધિત તંત્ર આ ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ લાવે છે કે પછી સ્થાનિકોને હજુ પણ હાલાકીનો સામનો કરવો પડશે.



0/Post a Comment/Comments

Domain