દાંતા શહેરમાં બિસ્માર માર્ગોને લઈ લોકોમાં રોષ, તાત્કાલિક સમારકામની માંગ
બનાસકાંઠા - દાંતા તારીખ ૦૪ જૂન ૨૦૨૬ ગુરુવાર
દાંતા, બનાસકાંઠા: દાંતા નગરમાં રોડ-રસ્તાઓની ખરાબ હાલતને લઈને સ્થાનિક નાગરિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સ્ટેટ બેંકથી પિકઅપ સ્ટેન્ડ સુધીનો મુખ્ય માર્ગ ખાડાઓથી ભરાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનો ઉપરાંત સરકારી એસટી બસોની અવરજવર થાય છે. છતાં લાંબા સમયથી રસ્તાના સમારકામ અંગે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. માર્ગ પર પડેલા મોટા ખાડાઓને કારણે ટુ-વ્હીલર ચાલકો માટે અકસ્માતનું જોખમ વધ્યું છે, જ્યારે વાહનોના મેન્ટેનન્સ ખર્ચમાં પણ વધારો થયો હોવાનું લોકો જણાવી રહ્યા છે. ચોમાસાની ઋતુ નજીક આવતાં માર્ગની હાલત વધુ ખરાબ બનવાની ભીતિ સ્થાનિકોમાં જોવા મળી રહી છે. નાગરિકોનો આક્ષેપ છે કે ચૂંટણી દરમિયાન વિકાસના વાયદા કરનાર નેતાઓ ચૂંટણી પૂર્ણ થયા બાદ પ્રજાની સમસ્યાઓ પ્રત્યે ઉદાસીન બની જાય છે.
સ્થાનિક જાગૃત નાગરિકોએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે સ્ટેટ બેંકથી પિકઅપ સ્ટેન્ડ સુધીના મુખ્ય માર્ગનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે, જવાબદાર અધિકારીઓ સ્થળની મુલાકાત લઈ વાસ્તવિક પરિસ્થિતિનું નિરીક્ષણ કરે અને નાગરિકોને કાયમી સુવિધા મળે તે માટે યોગ્ય પગલાં ભરવામાં આવે. દાંતા શહેરની જનતા હવે સવાલ ઉઠાવી રહી છે કે રસ્તાની સમસ્યાનો ઉકેલ લાવવા માટે તંત્ર ક્યારે જાગશે અને લોકોની મુશ્કેલીઓનો અંત ક્યારે આવશે.

Post a Comment