રાપર તાલુકા ના સેલારી ગામે ₹1,000ની લાંચ લેતા તલાટી કમ મંત્રી એ.સી.બી.ના છટકામાં ઝડપાયા
રાપર, કચ્છ: રાપર તાલુકાના સેલારી જૂથ ગ્રામ પંચાયત ખાતે ફરજ બજાવતા તલાટી કમ મંત્રી અલ્પાબેન D/O રમેશભાઈ પટેલને ₹1,000ની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા સફળ ડીકોય ટ્રેપમાં ઝડપી પાડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, સેલારી જૂથ ગ્રામ પંચાયતમાં સરકારી કામગીરી જેવી કે નોંધો પાડવા, વેરા ભરવા સહિતની કામગીરી માટે ગેરકાયદેસર રીતે ₹200થી ₹5,000 સુધીની લાંચ માંગવામાં આવતી હોવાની માહિતી ACB ગાંધીધામને મળી હતી. આ માહિતીના આધારે બે સરકારી પંચોની હાજરીમાં ડીકોય છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીકોય દરમિયાન હક દાખલ કરવાની નોંધ પાડવાની કામગીરીના બદલામાં આરોપી તલાટી કમ મંત્રીએ ડીકોયર સાથે હેતુલક્ષી વાતચીત કરી ₹1,000ની લાંચની માંગણી કરી હતી. ત્યારબાદ ₹1,000ની લાંચ સ્વીકારતા જ ACBની ટીમે તેમને ઝડપી પાડ્યા હતા. ટ્રેપ દરમિયાન લાંચની સંપૂર્ણ ₹1,000ની રકમ પણ રિકવર કરવામાં આવી છે.
આ કાર્યવાહી 12 ઓગસ્ટ 2026ના રોજ સેલારી જૂથ ગ્રામ પંચાયતની કચેરી, ગામ સેલારી, તાલુકો રાપર, જિલ્લો કચ્છ ખાતે કરવામાં આવી હતી. આ કેસમાં આરોપી તરીકે અલ્પાબેન D/O રમેશભાઈ પટેલ, ઉંમર આશરે 40 વર્ષ, વ્યવસાયે તલાટી કમ મંત્રી, સેલારી જૂથ ગ્રામ પંચાયત, હાલ અયોધ્યાપુરી ચકરો, રાપર ખાતે રહેતા તથા મૂળ મુવાડી ગામ, તાલુકો ખાનપુર, જિલ્લો મહિસાગર હોવાનું ACB દ્વારા જણાવાયું છે. ટ્રેપિંગ ઓફિસર તરીકે શ્રી જે.બી. ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર, કચ્છ (પૂર્વ) ACB પોલીસ સ્ટેશન, ગાંધીધામ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. સમગ્ર કામગીરીનું સુપરવિઝન શ્રી કે.એચ. ગોહિલ, મદદનીશ નિયામક, ACB બોર્ડર એકમ, ભુજ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે અધિકારી તરીકે શ્રી બળદેવસિંહ વાઘેલા, નાયબ નિયામક, ACB રાજકોટ જોડાયેલા હતા. લાંચની માંગણી, સ્વીકાર અને રિકવરી અંગે ACB દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર: ઠક્કર અનિલ, રાપર-કચ્છ

Post a Comment