રાપર શહેરમાં આગામી તહેવારોને અનુલક્ષીને પોલીસની સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ફૂટમાર્ચ: ટ્રાફિક નિયમભંગ બદલ દંડાત્મક કાર્યવાહી
આગામી તહેવારો દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ રહે તથા નાગરિકો નિર્ભય અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પર્વોની ઉજવણી કરી શકે તે હેતુથી રાપર પોલીસ દ્વારા શહેરના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ફૂટમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક (SP) સાગર બાગમર તથા ભચાઉ ડીવાયએસપી (DySP) સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ, રાપર પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ખટાણાની આગેવાનીમાં આ કૂચ યોજાઈ હતી. જેમાં પીએસઆઈ સહિત રાપર પોલીસ મથકના સ્ટાફ અને જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
પોલીસ કાફલાએ શહેરના મુખ્ય તેમજ સંવેદનશીલ માર્ગો જેવા કે દરિયાસ્થાન મંદિર, માંડવી ચોક, આથમણા નાકા વિસ્તાર, મસ્જિદ, સેલારી નાકા અને બસ સ્ટેશન વિસ્તારમાં ફૂટમાર્ચ કરી હતી, જે દેના બેંક ચોક સ્થિત ટ્રાફિક પોલીસ ચોકી ખાતે સંપન્ન થઈ હતી. પેટ્રોલિંગ દરમિયાન પોલીસે સ્થાનિક વેપારીઓ અને નગરજનો સાથે સંવાદ સાધીને તહેવારોની શાંતિપૂર્ણ માહોલમાં અને ભાઈચારા સાથે ઉજવણી કરવા અપીલ કરી હતી.
ફૂટમાર્ચ દરમિયાન ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થાને અડચણરૂપ જણાતા વાહનચાલકો સામે પણ પોલીસે તવાઈ બોલાવી હતી 17 એન.સી. કેસ નોંધી ₹5,500નો દંડ વસૂલ કરાયો. ડિટેઇન: યોગ્ય દસ્તાવેજ કે નિયમોના અભાવે 4 વાહનો ડિટેઇન કરાયા. રસ્તા વચ્ચે વાહન પાર્ક કરી ટ્રાફિક અવરોધવા બદલ 2 કેસ દાખલ કરવામાં આવ્યા. તહેવારો દરમિયાન અસામાજિક તત્વો સામે કડક નજર રાખવા અને શાંતિ જાળવવા માટે રાપર પોલીસ સતત એલર્ટ મોડ પર રહેશે તેમ જણાવાયું છે. રિપોર્ટર અનિલ ઠક્કર રાપર કચ્છ


Post a Comment