રાપરમાં પાવર હાઉસ સામે તીનપત્તીનો જુગાર રમતા ૭ ઝડપાયા, રૂ.૧૭,૨૦૦ રોકડ જપ્ત
રાપર: રાપર પોલીસે જુગારની બદી સામે કાર્યવાહી હાથ ધરી પાવર હાઉસ સામેની ખુલ્લી શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા ૭ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસને મળેલી બાતમીના આધારે દરોડો પાડતા આરોપીઓ ગંજીપાનાથી હારજીતનો જુગાર રમતા મળી આવ્યા હતા.
પોલીસ મહાનિરીક્ષક ચીરાગ કોરડીયા, પૂર્વ કચ્છ-ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એલ. ખટાણાની સૂચનાથી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન પાવર હાઉસ સામેની ખુલ્લી શેરીમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતાં પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન પોલીસે ગેલા ફકીરાભાઈ ચાવડા, નરશી જીવાભાઈ ભીલ, જયસુખ બાબુભાઈ કોલી, દિનેશ અરજણભાઈ ડોડીયા, મનજી સુરાભાઈ સુરાણી (કોલી), જગદીશ મોહનભાઈ કોલી અને હીરા ડાયાભાઈ કોલીને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રૂ.૧૭,૨૦૦ રોકડ તથા ગંજીપાનાં કબજે કર્યા હતા. આ મામલે રાપર પોલીસે જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર કાર્યવાહી પીઆઈ આર.એલ. ખટાણા તથા રાપર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. - રિપોર્ટર: ઠક્કર અનિલ રાપર, કચ્છ

Post a Comment