રાપર ટાઉનમાં પોલીસની કડક કાર્યવાહી: ચોરીના મોબાઈલ અને પાણીની મોટર સાથે ૪ ઈસમો ઝડપાયા

 રાપર ટાઉનમાં પોલીસની કડક કાર્યવાહી: ચોરીના મોબાઈલ અને પાણીની મોટર સાથે ૪ ઈસમો ઝડપાયા

રૂ. ૭૦ હજારનો મુદ્દામાલ કબજે કરી પોલીસે ચાર શખ્સોને ઝડપી પાડ્યા

રાપર: રાપર ટાઉન વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓ સામે રાપર પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન દૂધડેરી વિસ્તાર પાસેથી શંકાસ્પદ હાલતમાં મળી આવેલા ચાર ઈસમોની પૂછપરછ અને તપાસ કરતાં તેમની પાસેથી ચોરીના ૧૦ મોબાઈલ ફોન તથા બે પાણીની મોટર મળી આવી હતી. પોલીસે કુલ રૂ. ૭૦,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી ચારેય ઈસમોને ઝડપી પાડ્યા હતા. બોર્ડર રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાની સૂચના મુજબ મિલકત સંબંધી ગુનાઓના ભેદ ઉકેલવા ખાસ ઝુંબેશ ચાલી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર આર.એલ. ખટાણાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ રાપર ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન દૂધડેરી વિસ્તાર પાસેથી ચાર ઈસમો શંકાસ્પદ હાલતમાં મળી આવતા પોલીસે તેમની પૂછપરછ કરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન તેમની પાસેથી અલગ-અલગ કંપનીના ચોરીના ૧૦ મોબાઈલ ફોન, કિંમત રૂ. ૫૦,૦૦૦, તેમજ ૨ પાણીની મોટર, કિંમત રૂ. ૨૦,૦૦૦, મળી કુલ રૂ. ૭૦,૦૦૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો.

પોલીસે ઝડપાયેલા ઈસમોની ઓળખ સુનીલ લખમણભાઈ કોલી (ઉં.વ. ૨૧), રહે. આથમણા નાકા, રાપર; ઉમરદીન વલીમમાદ તરાયા (ઉં.વ. ૩૦), રહે. ખાટલાવાંઢ, રાપર; નીજામ રમઝાન શેખ (ઉં.વ. ૩૦), રહે. સમાવાસ, રાપર; તથા અલતાફ હાજીભાઈ સમેજા, રહે. એકલશક્તિની પાછળ, રાપર તરીકે કરી છે. આ સમગ્ર કામગીરી પોલીસ ઈન્સ્પેક્ટર આર.એલ. ખટાણાના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી હતી. પોલીસે મુદ્દામાલ અંગે વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર ઠક્કર - અનિલ રાપર કચ્છ

0/Post a Comment/Comments

Domain