રાપરના મોટી રવ ગામે LCBનો સપાટો: રૂ. 1.92 લાખનો બીયર જથ્થો ઝડપાયો, ક્રેટા કાર સહિત રૂ. 6.92 લાખનો મુદ્દામાલ જપ્ત
રાપર, તા. 9 ઓગસ્ટ 2026: પૂર્વ કચ્છ-ગાંધીધામ જિલ્લામાં ગેરકાયદેસર દારૂ-બીયરની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. બોર્ડર રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક (IGP) ચિરાગ કોરડીયા તથા પૂર્વ કચ્છ-ગાંધીધામના પોલીસ અધિક્ષક (SP) સાગર બાગમારની સૂચનાના પગલે LCBની ટીમે જિલ્લામાં સઘન પેટ્રોલિંગ અને વોચ ગોઠવી હતી. આ દરમિયાન LCB પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાળાના માર્ગદર્શન હેઠળ ટીમ રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે મોટી રવ ગામના ઢારવાસમાં પ્રભા દાદાના નાના મંદિરની બાજુમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સ્થળ પરથી શંકાસ્પદ હાલતમાં ઊભેલી સફેદ રંગની હ્યુન્ડાઈ ક્રેટા કાર (GJ-16-CB-1328) મળી આવી હતી. LCBની ટીમે રેડ કરતાં કારમાંથી ગેરકાયદેસર બીયરના ટીનનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે સ્થળ પરથી નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો
- બડવાઇઝર મેગ્નમ પ્રીમિયમ બીયર (500 ML): 736 નંગ — કિંમત રૂ. 1,05,984/-
- હેવર્ડ 5000 સુપર સ્ટ્રોંગ બીયર (500 ML): 696 નંગ — કિંમત રૂ. 87,000/-
- કુલ બીયર: 1,432 નંગ — કિંમત રૂ. 1,92,984/-
- હ્યુન્ડાઈ ક્રેટા કાર: કિંમત રૂ. 5,00,000/-
- કુલ જપ્ત મુદ્દામાલ: રૂ. 6,92,984/-
ચાલક ફરાર, શોધખોળ શરૂ પોલીસની રેડ દરમિયાન કારનો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. તેના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. જપ્ત કરાયેલ સમગ્ર મુદ્દામાલ તથા આગળની તપાસ માટે કેસ રાપર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ સફળ કામગીરી LCB પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાળા, PSI ડી.જી. પટેલ તથા LCB સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી - રિપોર્ટ ઠક્કર અનિલ રાપર કચ્છ

Post a Comment