ધોરડો–હાજીપીર રોડની બિસ્માર હાલતથી વાહનવ્યવહાર ખોરવાયો, ટ્રેલરો બંધ પડતાં ભારે ચક્કાજામ

ધોરડો–હાજીપીર રોડની બિસ્માર હાલતથી વાહનવ્યવહાર ખોરવાયો, ટ્રેલરો બંધ પડતાં ભારે ચક્કાજામ

ધોરડો/હાજીપીર: ધોરડો–હાજીપીર રોડની અત્યંત બિસ્માર હાલતના કારણે છેલ્લા બે દિવસથી વાહનવ્યવહારને ભારે અસર પહોંચી છે. માર્ગ પર પડેલા મોટા ખાડા અને ઉબડખાબડ રસ્તાના કારણે મીઠા ભરેલા તેમજ ખાલી ટ્રેલરોમાંથી આશરે ૨થી ૩ ટ્રેલરો રસ્તામાં જ બંધ પડી જતાં સમગ્ર માર્ગ પર ભારે ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હોવાનું સામે આવ્યું છે.

ચક્કાજામની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હોવા છતાં સ્થાનિક તંત્ર તેમજ પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક હળવો કરવા અથવા રસ્તા વચ્ચે બંધ પડેલા ટ્રેલરોને ખસેડવા માટે જરૂરી કામગીરી કરવામાં આવી નથી, તેવી વાહનચાલકો દ્વારા ફરિયાદો કરવામાં આવી રહી છે.

અવાવરૂ માર્ગ પર ચાલકોની હાલત કફોડી ધોરડો–હાજીપીર વચ્ચેનો આ માર્ગ લાંબા સમયથી ખરાબ હાલતમાં હોવાના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વધુમાં આ માર્ગના આસપાસ હોટેલ, ચાની કિટલી કે અન્ય કોઈ દુકાન જેવી સુવિધા ઉપલબ્ધ ન હોવાથી છેલ્લા બે દિવસથી ટ્રાફિકમાં અટવાયેલા ટ્રેલર ચાલકોને ખાવા-પીવાની પણ મુશ્કેલી પડી રહી હોવાનું જાણવા મળે છે.

વાહનચાલકોના જણાવ્યા મુજબ, ભારે વાહનો સતત પસાર થતા હોવા છતાં રસ્તાની યોગ્ય જાળવણી કરવામાં આવતી નથી. પરિણામે વાહનોમાં નુકસાન થવાની સાથે કલાકો સુધી ટ્રાફિક જામમાં અટવાઈ રહેવાની સ્થિતિ ઊભી થઈ રહી છે.


તંત્રની કામગીરી સામે વાહનચાલકોમાં રોષ - રસ્તા પર ચક્કાજામ જેવી ગંભીર સ્થિતિ સર્જાયા બાદ પણ તાત્કાલિક ટ્રાફિક વ્યવસ્થા કરવામાં ન આવતાં વાહનચાલકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાહનચાલકોનું કહેવું છે કે રસ્તાની તાત્કાલિક મરામત સાથે હાલ બંધ પડેલા ટ્રેલરોને સુરક્ષિત રીતે ખસેડી વાહનવ્યવહાર પૂર્વવત્ કરવામાં આવે.

સ્થાનિક વાહનચાલકો અને ટ્રેલર ચાલકો દ્વારા તંત્ર સમક્ષ માંગ કરવામાં આવી છે કે તાત્કાલિક ઘટનાસ્થળે અધિકારીઓ અને પોલીસની ટીમ મોકલી ટ્રાફિક ખુલ્લો કરાવવામાં આવે તેમજ ધોરડો–હાજીપીર રોડનું કાયમી ધોરણે યોગ્ય સમારકામ કરવામાં આવે. હવે જોવાનું એ રહ્યું કે છેલ્લા બે દિવસથી સર્જાયેલી આ ગંભીર સ્થિતિ અંગે તંત્ર ક્યારે જાગે છે અને વાહનચાલકોને રાહત ક્યારે મળે છે

0/Post a Comment/Comments

Domain