ભચાઉ મામલતદાર કચેરીમાં અરજદારોની હાલાકી: 44 ડિગ્રી તાપમાનમાં કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં કામ ન થતા રોષ
44 ડિગ્રી ગરમીમાં ભચાઉ મામલતદાર કચેરી બહાર અરજદારોની લાંબી લાઈનો, કલાકો રાહ છતાં કામ ન થતાં રોષ
આવકના દાખલા અને રેશનકાર્ડ સુધારા માટે અરજદારો પરેશાન: ભચાઉ મામલતદાર કચેરીની કામગીરી સામે પ્રશ્નો
વિદ્યાર્થીઓ-વાલીઓની હાલાકી વધતી: ભચાઉ મામલતદાર કચેરીમાં પૂરતી સુવિધા અને ઝડપી કામગીરીની માંગ
ભચાઉ, તા. 04 જૂન 2026 ગુરુવાર ભચાઉ મામલતદાર કચેરી ખાતે આવકના દાખલા, રેશનકાર્ડ સુધારા સહિત વિવિધ સરકારી કામો માટે આવતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને અરજદારો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે 44 ડિગ્રી જેટલા ઊંચા તાપમાનમાં લોકો સવારથી કચેરી બહાર લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. ખાસ કરીને શાળાઓ અને કોલેજો શરૂ થવાના હોવાથી વિદ્યાર્થીઓને આવકના દાખલાની તાત્કાલિક જરૂરિયાત છે. તાલુકાના વિવિધ વિસ્તારો તેમજ દૂરના ગામોમાંથી આવતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ કલાકો સુધી રાહ જોતા હોવા છતાં તેમના કામ સમયસર પૂર્ણ થતા ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. અરજદારોના જણાવ્યા મુજબ રેશનકાર્ડમાં સુધારા, આવકના દાખલા અને અન્ય સેવાઓ માટે વારંવાર ધક્કા ખાવા પડે છે. દિવસભર રાહ જોયા બાદ પણ ઘણીવાર કામ અધૂરું રહેતા લોકોને ફરીથી આવવું પડે છે, જેના કારણે તેમના રોજગાર અને દૈનિક કામકાજ પર પણ અસર પડી રહી છે.
સ્થાનિક નાગરિકોમાં એવી પણ ચર્ચા છે કે કેટલાક કામોમાં યોગ્ય વ્યવસ્થા અને પારદર્શિતા ન હોવાને કારણે સામાન્ય અરજદારોને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કચેરીમાં અરજદારો માટે પૂરતી સુવિધાઓ અને ઝડપી કામગીરીની માંગ ઉઠી રહી છે. ભચાઉ મામલતદાર કચેરી ઉપર પ્રાંત અધિકારીની કચેરી આવેલી હોવા છતાં અરજદારોની સમસ્યાઓ અંગે અસરકારક પગલાં લેવામાં આવે તેવી માંગ લોકો દ્વારા કરવામાં આવી રહી છે. સ્થાનિક નાગરિકો અને વિવિધ સંગઠનો દ્વારા પણ જવાબદાર અધિકારીઓનું ધ્યાન આ મુદ્દા તરફ દોરવામાં આવી રહ્યું છે. અરજદારોની માંગ છે કે કચેરીમાં પૂરતા કર્મચારીઓની વ્યવસ્થા કરવામાં આવે, ઓનલાઈન સેવાઓને વધુ અસરકારક બનાવવામાં આવે તેમજ ગરમીમાં રાહ જોતા લોકોને બેસવાની અને પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે. અહેવાલ: અલ્પેશ પ્રજાપતિ જનતા દસ્તક ન્યુઝ, ભચાઉ

Post a Comment