ખેંગારપર ગામમાં ઘરેલુ હિંસાના ગંભીર આક્ષેપો: પૂર્વ માજી સરપંચ સામે પત્નીનો આરોપ, બે દીકરીઓ સાથે આપઘાતના પ્રયાસનો દાવો
બે દીકરીઓનો શું વાંક? દીકરાની ઇચ્છાના કારણે અપમાન સહન કરવું પડ્યાનો મહિલાનો આક્ષેપ
આપઘાતના પ્રયાસ સુધી પહોંચેલી વેદના: પૂર્વ માજી સરપંચ સામે પત્નીના ગંભીર આરોપો, પોલીસ તપાસ શરૂ
રાપર તાલુકાના ખેંગારપર ગામમાં ઘરેલુ હિંસા અને માનસિક ત્રાસના ગંભીર આક્ષેપો સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચા જાગી છે. ગામના પૂર્વ માજી સરપંચ વિજય રણછોડ ઢીલા (આહીર) સામે તેમની પત્ની દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ફરિયાદ મુજબ, આશરે આઠ વર્ષ પહેલાં થયેલા લગ્ન બાદ ગીતાબેનને સતત માનસિક અને શારીરિક ત્રાસનો સામનો કરવો પડ્યો હતો. મહિલાનો આક્ષેપ છે કે તેમના પતિના અન્ય મહિલાઓ સાથે સંબંધોને કારણે દાંપત્ય જીવનમાં સતત તણાવ રહેતો હતો. અનેક વખત સમજાવટ અને સમાધાનના પ્રયાસો છતાં સ્થિતિમાં કોઈ સુધારો થયો નહોતો. મહિલાએ વધુમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે સાસુ તરફથી પણ પૂરતો સહકાર મળતો નહોતો અને વારંવાર અપમાનજનક તથા હેરાનગતિભર્યું વર્તન કરવામાં આવતું હતું.
દીકરીઓના જન્મ બાદ વધ્યો તણાવ? ફરિયાદ અનુસાર, દંપતીને બે દીકરીઓ છે. મહિલાનો દાવો છે કે દીકરો ન હોવાના કારણે તેને અને તેની બંને દીકરીઓને પરિવાર દ્વારા સ્વીકારવામાં આવતી નહોતી તેમજ વારંવાર અપમાનજનક ટિપ્પણીઓ અને ભેદભાવનો સામનો કરવો પડતો હતો. મહિલાના જણાવ્યા મુજબ, છેલ્લા બે વર્ષથી પતિ-પત્ની વચ્ચે સામાન્ય વૈવાહિક સંબંધો પણ રહ્યા નહોતા અને તે પોતાની બે દીકરીઓ સાથે અલગ રહેવા મજબૂર બની હતી. આ દરમિયાન પતિ દ્વારા જાહેર નોટિસ પણ પ્રસિદ્ધ કરવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આપઘાતના પ્રયાસ સુધી પહોંચી ગયેલી પરિસ્થિતિ - ફરિયાદ મુજબ, સતત માનસિક તણાવ, ભવિષ્યની અનિશ્ચિતતા અને બે દીકરીઓના ભરણપોષણની ચિંતાને કારણે મહિલા ભારે નિરાશામાં ધકેલાઈ ગઈ હતી. મહિલાનો દાવો છે કે તેણે ઝેરી દવા પી લીધી હતી અને દીકરીઓને પણ પીવડાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સમયસર પરિવારજનોને જાણ થતાં ત્રણેયને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર બાદ તેમનો જીવ બચી ગયો હતો. પોલીસ તપાસ શરૂ - આ સમગ્ર મામલે રાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળે છે. ફરિયાદમાં ઘરેલુ હિંસા, માનસિક ત્રાસ સહિતના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
સમાજ અને તંત્ર માટે ચિંતાનો વિષય - આ ઘટના માત્ર એક પરિવારની નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે વિચારવાનો વિષય બની છે. મહિલાઓ સામેની ઘરેલુ હિંસા, માનસિક ત્રાસ અને દીકરા-દીકરી વચ્ચેના ભેદભાવ જેવા મુદ્દાઓ આજે પણ સમાજમાં અસ્તિત્વ ધરાવે છે કે કેમ તે અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. શું માત્ર દીકરાની ઇચ્છા માટે એક માતા અને બે માસૂમ દીકરીઓને દુઃખ અને અપમાનના અંધકારમાં ધકેલી શકાય? શું ઘરેલુ હિંસા અને માનસિક ત્રાસ સામે સમાજ અને તંત્ર વધુ સંવેદનશીલ બની સમયસર હસ્તક્ષેપ કરશે? આવા પ્રશ્નોના જવાબ માત્ર કાયદાકીય કાર્યવાહીથી નહીં, પરંતુ સામાજિક જાગૃતિ, શિક્ષણ અને સંવેદનશીલતા દ્વારા જ મળી શકે. આ અહેવાલ ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો અને ઉપલબ્ધ માહિતીના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. સંબંધિત વ્યક્તિઓ દોષિત છે કે નહીં તે અંગેનો અંતિમ નિર્ણય સક્ષમ કોર્ટ દ્વારા પુરાવાઓના આધારે કરવામાં આવશે.

Post a Comment