વિજાપુર એસ.ટી. ડેપોમાં કર્મચારીઓના ગંભીર આક્ષેપો: ડેપો મેનેજર સામે માનસિક ત્રાસ અને સત્તાના દુરુપયોગની ફરિયાદ
વિજાપુર એસ.ટી. ડેપોમાં ફરજ બજાવતા કેટલાક કર્મચારીઓએ ડેપો મેનેજર સામે માનસિક ત્રાસ, સત્તાના દુરુપયોગ અને સરકારી મિલકતના ગેરવપરાશ જેવા ગંભીર આક્ષેપો કર્યા છે. કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆતો બાદ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠી છે. મળતી માહિતી મુજબ, ડેપોમાં હેલ્પર તરીકે ફરજ બજાવતા મહેશભાઈ પટેલે આક્ષેપ કર્યો છે કે તેમને લાંબા સમયથી માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. તેમણે જણાવ્યું કે જો તેમની અથવા તેમના પરિવારની તબિયત પર કોઈ પ્રતિકૂળ અસર થશે તો તેની જવાબદારી સંબંધિત અધિકારીઓની રહેશે. આ અંગે તેઓ કાયદેસરની કાર્યવાહી અને પોલીસ ફરિયાદ કરવાની પણ તૈયારી દર્શાવી રહ્યા છે. કર્મચારીઓએ વધુમાં આક્ષેપ કર્યો છે કે ડેપોના હેલ્પરો અને એપ્રેન્ટિસ કર્મચારીઓ પાસેથી ડેપોના સત્તાવાર કામ ઉપરાંત ડેપો મેનેજરના ખાનગી કામ પણ કરાવવામાં આવે છે. આ ઉપરાંત, ડેપોમાં ઉપયોગ માટે આવેલી લોખંડની સીડી મેનેજરના ખાનગી ઉપયોગ માટે તેમના નિવાસસ્થાને બનાવવામાં આવેલા અન્ડરગ્રાઉન્ડ ટાંકામાં ફિટ કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલે કર્મચારીઓએ કેટલાક સવાલો પણ ઉઠાવ્યા છે. કર્મચારીઓનું કહેવું છે કે વારંવાર રજૂઆત કરવા છતાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી. જેના કારણે કર્મચારીઓમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે. કર્મચારીઓએ માંગ કરી છે કે સ્થાનિક પોલીસ તંત્ર તેમજ એસ.ટી. વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. જો તપાસ દરમિયાન આક્ષેપો સાચા સાબિત થાય તો જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. હાલ સમગ્ર મામલે ડેપો મેનેજર અથવા સંબંધિત અધિકારીઓનો કોઈ સત્તાવાર પ્રતિસાદ પ્રાપ્ત થયો નથી. તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થઈ શકશે.

Post a Comment