મોત સાથે સાડા ચાર કલાકનો સંઘર્ષ: પૂર અને તંત્રની લાપરવાહી વચ્ચે પ્રસુતાને ટ્રેક્ટરમાં નદી પાર કરવી પડી
ઘનઘોર અંધારી રાત, મુસળધાર વરસાદ અને પ્રસુતિની અસહ્ય પીડાથી કણસતી એક ગર્ભવતી મહિલા... કચ્છ જિલ્લાના રાપર તાલુકાના નાગતર ગામમાં સર્જાયેલી આ ઘટના કોઈ ફિલ્મી દ્રશ્ય નહીં પણ વહીવટી તંત્રની ઘોર લાપરવાહીની જીવંત તસવીર છે. ગામના મનીષભાઈ ઠાકોરના પત્ની આશાબેનને સાંજે ૭ વાગ્યે પ્રસુતિની ગંભીર પીડા શરૂ થઈ હતી. ગામના જાગૃત નાગરિક મેહુલભાઈ મકવાણા અને ધનજીભાઈ મકવાણાના જણાવ્યા અનુસાર, પરિવારે તાત્કાલિક ૧૦૮ સેવાનો સંપર્ક કર્યો હતો. ૧૦૮ની ટીમે પૂરી નિષ્ઠાથી ફરજ બજાવી, પરંતુ ગામને જોડતો પાકો રસ્તો કે પુલ ન હોવાથી એમ્બ્યુલન્સ માટે ગામમાં પ્રવેશવું જ અશક્ય બની ગયું હતું.
૧૦૮ની ટીમે સણવા, મોડા અને લખાગઢ એમ ત્રણ અલગ-અલગ રસ્તેથી આવવાનો પ્રયાસ કર્યો. પરંતુ ફલકું નદીમાં ઘોડાપૂર, કેનાલ ઓવરફ્લો અને કરકલીયા નદીના ધસમસતા પ્રવાહને કારણે તમામ રસ્તાઓ બંધ હતા. અસહ્ય પીડામાં તરફડતી આશાબેનની સ્થિતિ જોઈ પરિવારે આખરે એક અત્યંત જોખમી નિર્ણય લીધો. તેઓએ જીવના જોખમે આશાબેનને ટ્રેક્ટરમાં બેસાડીને કરકલીયા નદીના ધસમસતા પાણીમાં ઉતાર્યા. પાણી ટ્રેક્ટરના બોનેટ સુધી આંબી ગયું હતું, પણ સદનસીબે નદી પાર કરી સામે કાંઠે ઊભેલી ૧૦૮ મારફતે તેઓ પલાસવા હોસ્પિટલ પહોંચ્યા. ૭ થી ૧૧:૩૦ સુધીની આ સાડા ચાર કલાકની કાળરાત્રી બાદ તેમણે એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો.
જોકે, મુશ્કેલીઓનો અંત અહીં નહોતો આવ્યો. બાળક જન્મ્યા બાદ સરકારી 'ખિલખિલાટ' વાહન તેમને પરત મૂકવા આવ્યું, પણ ફલકું નદીમાં પૂરના પાણી યથાવત હોવાથી ડ્રાઇવરે માતા અને નવજાત શિશુને સણવા ખાતે જ ઉતારી દીધા. ત્યાંથી પરિવારે ફરી ખાનગી વાહનની વ્યવસ્થા કરી, ભારે સંઘર્ષ બાદ તેમને જીવના જોખમે સુરક્ષિત ઘરે પહોંચાડ્યા. આ ગામ ભૌગોલિક રીતે એક 'ફાંસા' સમાન છે. ૨૦૧૫માં પૂરના કારણે આખું ગામ ખાલી કરવું પડ્યું હતું અને ગયા વર્ષે પણ એક બીમાર વ્યક્તિને ૧૧ યુવાનોએ પોતાના ખંભે ઊંચકીને ધસમસતી નદી પાર કરાવી હતી.
૧૮૬ પરિવારોની વસ્તી ધરાવતું નાગતર ગામ આજે પણ પ્રાથમિક સુવિધાઓ માટે વલખાં મારે છે. છેલ્લા બે વર્ષથી રોડ અને પુલના કામો મંજૂર હોવા છતાં ખાતમુહૂર્ત માત્ર કાગળ પર અટવાયેલું છે. આ વેદના અને પીડા વચ્ચે ગ્રામજનો રોષભેર તંત્રને સવાલ કરી રહ્યા છે કે, "શું તંત્ર કોઈ મા-દીકરાનો જીવ જાય તેની રાહ જુએ છે?" લોકોની ઉગ્ર માંગ છે કે સણવા અને નાગતર વચ્ચે ફલકુ નદી પર ઊંચો પુલ અને લાખાગઢ તરફ પાકો રસ્તો તાત્કાલિક બનાવવામાં આવે, જેથી ચોમાસાની આ જીવલેણ હાલાકીનો કાયમી અંત આવે. રિપોર્ટર અનિલ ઠક્કર રાપર કચ્છ


Post a Comment