શીકારપુર નજીક ઔદ્યોગિક કચરો ઠાલવાયો હોવાના આક્ષેપો, પર્યાવરણને નુકસાનની આશંકા વચ્ચે તંત્ર સામે ગંભીર સવાલો
શીકારપુર |તારીખ 15/08/2026 શનિવાર કચ્છ
શીકારપુર ગામ નજીક સર્વે નંબર 18-19 વિસ્તારમાં કથિત રીતે ઔદ્યોગિક કચરો ઠાલવવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ કચરો અજંતા કંપનીનો હોવાનું કહેવાઈ રહ્યું છે, જેને લઈને સમગ્ર મામલે તપાસની માંગ ઉઠી છે.
સ્થાનિકોના આક્ષેપ મુજબ કંપનીમાંથી નીકળતો કચરો નિયમો મુજબ કંપનીની અંદર યોગ્ય સ્ટોરેજ અને વ્યવસ્થિત નિકાલની પ્રક્રિયા મારફતે સંભાળવાનો હોય છે. તેમ છતાં, જો ખરેખર કંપનીનો ઔદ્યોગિક વેસ્ટ જાહેર વિસ્તારમાં અથવા ખુલ્લી જગ્યામાં ઠાલવવામાં આવ્યો હોય તો તે પર્યાવરણ તેમજ આસપાસના લોકોના આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે.
જનતા દસ્તક ન્યૂઝ દ્વારા સંપર્ક કરવામાં આવતા કંપની તરફથી એવું જણાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે કે આ કામગીરી કોન્ટ્રાક્ટ બેઝ પર રાખવામાં આવેલા વ્યક્તિ/એજન્સી દ્વારા કરવામાં આવી છે. જોકે સવાલ એ છે કે કંપનીની અંદર કચરાના સ્ટોરેજ અને નિકાલ માટે વ્યવસ્થા હોવા છતાં કચરો બહાર કેવી રીતે પહોંચ્યો?
કોન્ટ્રાક્ટર રાખી દેવાથી જવાબદારી પૂરી થઈ જાય છે?
જો કોઈ કંપની ઔદ્યોગિક વેસ્ટના સંચાલન માટે કોન્ટ્રાક્ટર રાખે છે તો માત્ર કોન્ટ્રાક્ટરના માથે જવાબદારી નાખીને કંપની પોતાની જવાબદારીમાંથી છટકી શકે કે કેમ તે પણ તપાસનો મહત્વનો મુદ્દો છે. કંપની દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોય તો કચરો ક્યાં લઈ જવાનો, કઈ રીતે સંગ્રહ કરવાનો અને કઈ મંજૂરી હેઠળ તેનો નિકાલ કરવાનો છે તેની દેખરેખની જવાબદારી કોની હતી? કોન્ટ્રાક્ટરને વેસ્ટ બહાર ઠાલવવાની મંજૂરી કોણે આપી? અને જો મંજૂરી આપવામાં આવી ન હતી તો કંપનીમાંથી કચરો બહાર ગયો કેવી રીતે? આ તમામ સવાલોના જવાબો હવે GPCB, સ્થાનિક વહીવટી તંત્ર અને સંબંધિત અધિકારીઓની તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકે છે.
પર્યાવરણના નામે નિયમો માત્ર કાગળ પર?
ઔદ્યોગિક કચરો જો ખરેખર જાહેર વિસ્તારમાં ઠાલવાયો હોવાનું તપાસમાં સાબિત થાય તો તે મામલે જવાબદાર વ્યક્તિ, કોન્ટ્રાક્ટર તેમજ સંબંધિત કંપનીની ભૂમિકા અંગે ગંભીર તપાસ થવી જરૂરી છે. ખુલ્લામાં કચરો ઠાલવવાથી જમીન, પાણી અને હવાની ગુણવત્તા પર અસર થવાની સાથે આસપાસના રહેવાસીઓના સ્વાસ્થ્ય સામે પણ જોખમ ઊભું થઈ શકે છે.
સ્થાનિકો દ્વારા સમગ્ર મામલે સ્થળ તપાસ, કચરાના સેમ્પલની તપાસ, કચરો કોનો છે તેની વૈજ્ઞાનિક ચકાસણી તેમજ જવાબદાર સામે નિયમ મુજબ કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ ગંભીર આક્ષેપોની નિષ્પક્ષ તપાસ કરશે કે પછી ઔદ્યોગિક કચરાના નામે ફરી એક વખત કાગળ પર જ કાર્યવાહી કરીને મામલો દબાવી દેવામાં આવશે?

Post a Comment