યુવકના શંકાસ્પદ મૃત્યુ મામલે બહુજન આર્મીની ઉગ્ર રજૂઆત
કંડલા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુવકના શંકાસ્પદ મૃત્યુની ઘટના સંદર્ભે બહુજન આર્મી સંગઠન દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. મૃતક યુવકના પરિવારજનોને ન્યાય મળે તેમજ સમગ્ર પ્રકરણની પારદર્શક અને નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ સાથે સંગઠનના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં કંડલા મરીન પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા.
સંગઠન દ્વારા પોલીસને કરાયેલી રજૂઆતમાં જણાવાયું હતું કે, મૃતકના પરિવારજનો દ્વારા અગાઉથી જ શંકાના દાયરામાં આવતી ચાર વ્યક્તિઓ સામે નામજોગ શંકા વ્યક્ત કરવામાં આવી છે. આ બાબતને ગંભીરતાથી લઈ પોલીસે આ દિશામાં સઘન અને નિષ્પક્ષ તપાસ હાથ ધરી સત્ય બહાર લાવવું જરૂરી છે. તેમજ જો કોઈ દોષિત જણાય તો તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. વધુમાં, પીડિત પરિવારના જીવન પર જોખમ હોવાની આશંકા વ્યક્ત કરી પરિવારને તાત્કાલિક યોગ્ય પોલીસ રક્ષણ પૂરું પાડવાની માંગ કરવામાં આવી હતી. આ અંગે કંડલા મરીન પોલીસ સ્ટેશનના પી.આઈ.ને સત્તાવાર આવેદનપત્ર પાઠવી સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરવાની રજૂઆત કરવામાં આવી હતી.

Post a Comment